Thought of Swami Sachchidanand – Bhakti Niketan Ashram in Dantali

શ્રી સચ્ચિદાનંદ સ્વામી દંતાલી વાળા ના વિચારો

આ જગનતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વિક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.

શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની કસરત કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું? શરીરનો વાંક શો છે એ તો કહો!

જે શરીર આપણા તથાકથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી નથી લાગતી ?
એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દિવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’

તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતિનો ત્રાસ વેઠીનેય પારિવારીક જવાબદારીઓ નિભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ?

વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હિત માટે ઓવરટાઈમ કરતા પતિનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું?

અડધી રાત્રે પાડોશમાં કોઈ બિમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નિન્દ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવિત્રતા અને મહાનતા ચોક્કસ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !

ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વિરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી.

જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ.

પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘મદદ’ કરવી એ ‘ધર્મ’ છે.

મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે.

હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય.

પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા મગજમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું

આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !

વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વિમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બિમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?

આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?

અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નિભાવતાં આવડે તો આધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય.

સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નિભાવી શકીએ છીએ : જેમ કે પતિધર્મ, પુત્રધર્મ, પિતાધર્મ, માતૃધર્મ, શિક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નિભાવી શકાય છે.

સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.

મોજ થી જીવો દોસ્ત.

Source: Whatsapp
PC: www.swamisachchidanand.com