નૂતન વર્ષ નો પ્રારંભ થતા જ કાર્તિક સુદ એકાદશી એટલે કે આજના દિવસે ચાતુર્માસ ની સમાપ્તિ થવા જઈ રહી છે. આજનો દિવસ અત્યંત ખાસ માનવામાં આવે છે કેમ કે આજે કારતક મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિ એટલે કે દેવ ઉઠી એકદાશી. એવું મનાય છે કે આ દિવસે ક્ષીર સાગરમાં પોઢેલા ભગવાન વિષ્ણુ બલિના નિવાસેથી દેવો પાસે પુનઃ પધારે છે. આ ચાતુર્માસ દરમ્યાન ભક્તોએ જે તપ કર્યા અને ભગવાન નો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયા અને આમ દેવ ઉઠી એકાદશી સાર્થક થઇ.
આપણા શાસ્ત્રો અનુસાર દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને આજના દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે. તેથી આ દિવસને દેવઊઠી અગિયારસ ની સાથે પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દેવ નો પ્રબોધ થતો હોવાથી દેવદિવાળી પર્વ એકાદશી થી પૂનમ સુધી મનાવાય છે. આજનાં દિવસે ખાસ તુલસી વિવાહ રચાય છે. પંચાંગ અનુસાર અગિયારસ તિથિની શરૂઆત આજે સવારે 2:42 વાગ્યાથી શરૂ થઇ અને કાલે ૨૬ નવેમ્બર, સવારે 5 :10 વાગ્યા સુધીમાં સમાપ્ત થઇ જશે. જોકે કેટલીક જગ્યાઓએ બુધવારને કારણે કારતક સુદ બારસને ગુરુવારે તુલસીવિવાહનું આયોજન કરવાનું નક્કી કરાયું છે.
આજના દિવસ બાદ જ કોઈપણ શુભકાર્ય કરી શકાય એવી માન્યતા છે. દેવઊઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરુપનો વિવાહ તુલસી સાથે કરાવવામાં આવે છે. પરંતુ શું આપણે બધા એ જાણીયે છીએ કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતા આખરે કઈ પરિસ્થિતિઓમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા. ચાલો આજે થોડું એના વિશે પણ જાણીયે.
પૌરાણિક માન્યતા અનુસાર, રાક્ષસના કુલમાં એક કન્યા નો જન્મ થાય છે એનું નામ વૃંદા રાખવામાં આવે છે.વૃંદા બાળપણ થી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતી હતી.જ્યારે વૃંદા લગ્ન માટે લાયક બની ત્યારે તેમના માતા-પિતા એ તેમના વિવાહ જલંધર નામના રાક્ષસ સાથે કરી દીધા.વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત સાથે એક ધાર્મિક સ્ત્રી પણ હતી, જેના કારણે તેના પતિ જલંધર વધુ શક્તિશાળી બન્યા હતા. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજેય બની ગયા.
જલંધર જયારે પણ યુદ્ધ પર જતા ત્યારે વૃંદા પૂજા અર્ચના કરતી. વૃંદા ની ભક્તિને કારણે કોઈ પણ જલંધરને મારી શકતું ન હતું. જલંધર એ જયારે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું ત્યારે બધાજ દેવતાઓ જલંધરને મારવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા હતા. જલંધરે બધા દેવતાઓને હરાવી નાખ્યા હતા, પછી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા અને એમની સમક્ષ આ જલંધર નામના રાક્ષસ નો આતંક સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રુપ ધારણ કરી લીધુ અને વૃંદાના પતિવ્રત ધર્મ ને નષ્ટ કર્યું જેથી જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો.
જ્યારે ભગવાન વિષ્ણુની યુક્તિ વિષે વૃંદાને ખબર પડી, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને એક પથ્થર બનવા માટે શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુને પથ્થર ના બનેલા જોઈ બધા દેવી-દેવતાઓ માં હાહાકાર મચી ગયો, પછી માતા લક્ષ્મી એ વૃંદાને પ્રાર્થના કરી ત્યારે વૃંદા એ જગત ના કલ્યાણ માટે પોતાનો આપેલો શ્રાપ પાછો લઇ લીધો અને પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. પછી એમના શરીર ની રાખ માંથી એક નાનું વૃક્ષ પ્રગટ થયું જેને ભગવાન વિષ્ણુ એ તુલસી નામ આપ્યું. ભગવાન વિષ્ણુ પણ તેમના કરેલા આ છળનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરુપમાં પ્રગટ કર્યા જે શાલિગ્રામ કહેવાયું.
ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ તુલસી હશે. તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો, તમારું સ્થાન મારા માથા પર રહેશે. આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું.’ તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરુપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો.
વર્ષના સૌથી મોટા પર્વ દીપાવલીના મહત્ત્વના દિવસોમાં દેવઊઠી એકાદશીનું પણ અનેરું મહત્ત્વ છે. દેવઊઠી એકાદશી સાથે જ ચાર મહિનાના હિન્દુ ચાતુર્માસ પણ પૂરા થાય છે. આ પૂર્વે બરાબર ચાર માસ પહેલા અષાઢ સુદ અગિયારસે વિષ્ણુ ભગવાન પોઢે છે જેથી તેને દેવપોઢી અગિયારસ કહેવાય છે. ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે. દેવઊઠી એકાદશીથી દેવદિવાળી સુધીના દિવસોમાં તુલસી વિવાહ થાય છે. આ દિવસે વિધિવત વિષ્ણુ ભગવાન અને તુલસીના લગ્ન કરવામાં આવે છે. આ પાવન પર્વ ની આપ સહુ ને મારા તરફ થી ખુબ ખુબ શુભકામનાઓ..!!